આપણો બેતાલીસ સમાજ માં ઉમિયા-ઊંઝા તથા માં સરસ્વતી-સિદ્ધપુરની આજુબાજુના ગામોમાં વસેલો છે. વષો પહેલા આપણો બેતાલીસ સમાજ વિશાળ સમાજ હતો. જેમાંથી “આંટા કડવા પાટીદાર સમાજ-ઊંઝા” તથા “સત્તાવીસ સમાજ” અલગ થયા. જેથી આપણા બેતાલીસ સમાજમાં પંદર ગામ બાકી રહયાં, જેમાંથી લુણવા, ભાંખર તેમજ કાલેડામાંથી પટેલોએ સ્થળાંતર કરતાં આપણા સમાજમાં હાલ કુલ ચૌદ ગામ છે. જેમાં બિલીયા, દાસજ, કુંવારા , રાજપુર, ગંગાપુરા, મકતુપુર, ઊમરૂ, તાવડીયા, ઊંઝા(ભાંખર,લુણવા), નાંદોત્રી, ગણેશપુરા, સુજાણપુર તથા માધુપુરાનો સમાવેશ થાય છે.
વર્ષો પહેલા આપણા સમાજના લોકોનો મુખ્ય ધંધો ખેતી તથા પશુપાલન હતો. પરંતુ ફક્ત ખેતી પર ઓછી જમીનમાં પરિવારનો નિભાવ કરવો બહુ મુશ્કેલ હોવાથી શરૂઆતમાં આપણા સમાજના થોડા લોકો ધંધાર્થે સુરતમાં આવેલા, પછી ધીરે-ધીરે સુરતમાં હીરા ઉદ્યોગ તથા કાપડ ઉદ્યોગ પૂરબહારમાં ખીલતો ગયો તેમ તેમ આપણા સમાજના મોટી સંખ્યામાં કુલ વસ્તીના પાંસઠ ટકા (૬૫%) લોકો સુરતમાં ધંધાર્થે સ્થાયી થયા છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે.
આજથી બાવીસ વર્ષ પહેલાં આપણા સમાજનું વહીવટી તથા બંધારણીય માળખું હતું પરંતુ આપણા કમનસીબે છેલ્લા બાવીસ વર્ષથી કોઈપણ માળખું અસ્તિત્વમાં નહોતું. સમાજ રામભરોસે ચાલતો હતો. સુરતમાં વસતા આપણા સમાજના દરેક નાગરિકની ઈચ્છા હતી કે સમાજ જેવી કોઈ સંસ્થા તો હોવી જ જોઈએ. બીજા બધા સમાજોની વતનમાં તથા સુરતમાં સંસ્થાઓ ચાલતી હતી. પરંતુ આપણી સમાજરૂપી કોઈ સંસ્થા વતનમાં કે સુરતમાં ન હતી. આથી સુરતમાં વસતા આપણા સમાજના સર્વેની લોકલાગણીને મન આપીને સુરતમાં વસતા આપણા સમાજના દરેક ઘરના પ્રતિનીધીઓની એક જનરલ સભા “ ઉમિયા માતાજી ભાઠેના ” નાં મંદિરમાં તા. ૨૮/૦૨/૨૦૦૪ નાં રોજ મળી. અને એ જ દિવસે બધાની સર્વસંમતિથી ખુબ જ ઉત્સાહપૂર્વક “શ્રી બેતાલીસ કડવા પાટીદાર સમાજ-સુરત” ની સ્થાપના કરવામાં આવી. (જે આપણા બેતાલીસ સમાજની પુનઃસ્થાપના તારીખ કહી શકાય) સ્થાપના પાછળનો મુખ્ય ધ્યેય સમાજની એકતા, સંપ અને સહકારની સુંદર વહીવટ દ્વારા સમાજના દરેક કામમાં સિદ્ધિ મેળવવી તેમજ શિક્ષણલક્ષી, આરોગ્યલક્ષી તથા સમાજ ઉપયોગી કામો કરી દરેકને સાથે રાખીને લોકલાગણી દ્વારા પરિવર્તન લાવવાનો આપણો ઉદ્દેશ છે.